શું ૩જી મે, ૧૯૧૩એ રીલીઝ થયેલ 'રાજા હરિશ્ચંદ્ર' ભારતની પહેલી ફિલ્મ હતી..?

આજથી ૧૦૭ વર્ષ પહેલાં ૩ મે ૧૯૧૩ના રોજ ભારતની પહેલી ફીચર ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર મુંબઈના કોરોનેશન થિયેટરમાં પ્રદર્શિત થઇ હતી. આ ફિલ્મના સર્જક ધૂંડીરાજ ફાળકેને લગભગ બે-એક વર્ષ પહેલાં જ ભારતીય ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો. ઇસુ ખ્રિસ્ત પર બનેલ વિદેશી ફિલ્મ અકસ્માતે તંબુ (પિક્ચર પેલેસ)માં જોતા વિચાર આવ્યો કે ભારતીય ચરિત્રો ઉપર પણ આવી ફિલ્મ બનાવી શકાય. અને અથાક પરિશ્રમ અને અને વિટંબણાઓ પછી આ ફિલ્મ તૈયાર થઇ. 

ફાળકે બેનર તળે બનેલ આ ફિલ્મના દિગ્દર્શક: ધૂંડીરાજ ફાળકે જે પાછળથી દાદાસાહેબ ફાળકે તરીકે ઓળખાયા. એ સમયે જૂની રંગભૂમિ ઉપર ભજવાઈ રહેલ રણછોડરામ ઉદયરામના નાટક સત્ય હરિશ્ચંદ્રઉપરથી બનેલ આ ફિલ્મમાં રાજા હરિશ્ચંદ્રનું પાત્ર દત્તાત્રેય દામોદર દબકેએ અને તારામતીનું પાત્ર અન્ના સાલુંકે નામના પુરૂષ કળાકારે ભજવ્યું હતું, આ ઉપરાંત ધૂંડીરાજના પુત્ર બાલચંદ્રએ હરિશ્ચંદ્રના પુત્ર રોહિતાશની ભૂમિકા ભજવી હતી. ફિલ્મના કલાકારો અને ટેક્નિશિયનોની પસંદગી માટે તેમણે વિવિધ અખબારોમાં જાહેરખબર આપી. તેમને કોઈ મહિલા કલાકાર મળી નહીં એટલે તારામતીની ભૂમિકા માટે અન્ના સાળુંકે નામના પુરૂષ કલાકારની પસંદગી કરાઈ હતી. એક હોટલમાં કામ કરતાં અન્ના સાળુંકેના હાથ જોઇને દાદાસાહેબે તેમની ફિલ્મની હિરોઈનના પાત્ર માટે પસંદગી કરી હતી. ઉર્વિશ કોઠારીએ નોંધ્યુ છે, તારામતી કોણ બને..? કોઠાવાળી બાઇઓ પણ એટલી આબરૂદારહતી કે તે ફિલ્મોમાં કામ કરવા તૈયાર ન થાય. છેવટે સાળુંકે નામના એક યુવાનને ફાળકેએ તારામતી બનાવ્યો. (એક કથા પ્રમાણે, ફાળકે હોટેલમાં ગયા ત્યારે તેમણે સાળુંકેને ત્યાં કામ કરતો જોયો. એટલે વધારે પગારની ઓફર આપીને તે ભારતની પહેલી હીરોઇનને ખેંચી લાવ્યા.) અંદાજીત ૪૦ મિનિટ લંબાઈની આ ફિલ્મને ભારતની પહેલી ફિલ્મ ગણવામાં આવે છે.
જો કે ૧૮૯૭માં ઇંગ્લેન્ડથી કેમેરા હરિશ્ચંદ્ર ભાટવડેકર ઉર્ફે સાવે દાદાએ ભારતની પહેલી ફિલ્મ ૧૮૯૭માં જ બનાવી હતી. આ ફિલ્મમાં કુશ્તી કરતાં માણસોને ફિલ્માવવામાં આવ્યાં હતાં. ત્યાર પછી સાવેદાદાએ આવી ઘણી ફિલ્મો બનાવી હતી. તો આર. જી. તોરણેએ ૧૯૧૨માં ભારતીય કળાકારો અને ભારતીય કથાનક આધારે એકાદ કલાક લાંબી ફિલ્મ પુંડલિક બનાવી હતી. ફિલ્મ ઇતિહાસકાર ડૉ. યાસીન દલાલે લખ્યું છે : કોઇપણ ધોરણોથી માપવામાં આવે તો પણ તોરણેની પુંડલિકને જ ભારતનું પ્રથમ ચલચિત્ર ગણવું પડે તેમ છે.
‘રાજા હરિશ્ચંદ્રફિલ્મનો પ્રીમિયર ૨૧મી એપ્રિલ ૧૯૧૩માં ઓલિમ્પિયા થિયેટરમાં યોજાયો હતો, જ્યારે ૩ મે ૧૯૧૩ને, શનિવારે મુંબઈના ગિરગામમાં આવેલા કોરોનેશન સિનેમામાં ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મને શરૂઆતમાં ખુબ જ નબળો પ્રતિસાદ મળ્યો હતો. કારણ તે સમયે ચાર-પાંચ કલાક લાંબા નાટક કરતાં ૪૦ મિનિટ લાંબી ફિલ્મ જોવાની ટીકીટની કિમત ઘણી વધારે હતી. ઉર્વિશ કોઠારીએ નોંધ્યુ છે: નબળો પ્રતિસાદ જોઇને ફાળકેએ ફિલ્મ પહેલાં ડાન્સના લાઇવ શો શરૂ કર્યા. યોગ્ય પ્રચારપ્રસાર માટે ફિલ્મનો પ્રેસ શોરાખ્યો. લોકોને ૪૦ મિનીટ ઓછી લાગતી હતી એટલે ફાળકેએ પ્રચારમાં ફિલ્મની ફ્રેમની સંખ્યા ચમકાવવાનું શરૂ કર્યું : ૫૦ હજાર સ્ટીલ ફોટોગ્રાફ્‌સની બનેલી, રસ્તા પર પાથરો તો સળંગ બે માઇલ સુધી પહોંચે એટલી લાંબી ફિલ્મ.
આ ફિલ્મના કેટલાંક વિડિયો યુટ્યુબ પર ફરી રહ્યાં છે. આ સાથે તેવાં એક વિડિયોની લિંક શેર કરુ છું. જો કે મૂળ ફિલ્મના કેટલાંક અંશો જ ઉપલબ્ધ છે. આ વિડિયો લિન્કની પ્રમાણિકતા અંગે હું માહિતગાર નથી. વાચક-દર્શક પોતાના વિવેક અનુસાર તે જોઈ શકે છે.
https://youtu.be/Y6FuYf7r46Y

Dr. Tarun Banker

Ph. D. : Fiction into Film Have been working with Cinema, TV & Theatre from 1991.

2 Comments

Previous Post Next Post