ઘૂમકેતુ : સંબંધોનું સિનેમા કે સિનેમાનો સંબંધ..!


૨૨મી મે, ૨૦૨૦ ZEE 5 રીલીઝ થયેલ હિન્દી ફિલ્મ “ઘૂમકેતુ”ને થીયેટર/સિનેમા/મલ્ટીપ્લેક્ષમાં રીલીઝ ન કરી સીધા જ OTT પ્લેટફોર્મ ઉપર ફિલ્મ રીલીઝ કરવાની દિશામાં પગરણ માંડ્યા. શરૂઆત કરી. જો કે તેના માટે કોરોના મહામારી જવાબદાર છે..! છેલ્લાં બે મહિનાથી લોકડાઉનનો સામનો કરી રહેલ ભારત અને દુનિયામાં સિનેમાઘરો ક્યારે શરૂ થશે..? તે સવાલનો જવાબ કળાના દેવ નટરાજ પણ આપી શકે તેમ નથી..! તેવા સમયે ઘરબેઠાં મનોરંજન પૂરું પાડતાં ટેલીવિઝન સેટથી એક પગલું આગળ વધી ગયેલ OTT પ્લેટફોર્મ ઉપર આ ફિલ્મ “ઘૂમકેતુ” રીલીઝ કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશના મહોના ગામના ઉભરતા લેખક ઘૂમકેતુની ફિલ્મ લખવાની ને ફિલ્મ લેખક બનવાની ઘેલછા તેણે ઘર છોડી બોમ્બે, હવે મુંબઈ ભાગી જવા પ્રેરે છે. મુંબઈમાં રહેવા કે ટકી રહેવા પૈસા પહેલી જરૂરિયાત છે, ને ઘૂમકેતુ પાસે ૩૦ દિવસ ચાલે તેટલાં પૈસા છે. ૩૦ દિવસમાં ઘૂમકેતુ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે કે તેમાં લેખક બનવા શું કરે છે..?

ઘરેથી ભાગેલા ઘૂમકેતુને શોધવા રાજકારણી કાકા અને પિતા (દદ્દૂ) કેવી તીકડમ લગાવે છે..? ઘૂમકેતુના ભાગી જવામાં ભાગીદાર બૂઆ કયો રાગ આલાપે છે..? સમૂહલગ્નમાં ઘૂમકેતુને પરણી આવેલ ભીમકાય જાનકીદેવી ૩૦ દિવસમાં સુકાઈને સુકોમળ કેવી રીતે બની જાય છે..? ફિલ્મી સવાલોનું ફિલ્મી સમાધાન કેટલું અને કેવું ફિલ્મી બને છે..? મુંબઈમાં ખોવાયેલી/ચોરાયેલી ઘૂમકેતુની સ્ક્રિપ્ટ કોઈ કમાલ કરે છે..?
અમિતાભ બચ્ચન, રણવીરસિંઘ, સોનાક્ષી સિંહા અને ચિત્રાંગદાના કેમિયો રોલથી મઢેલી આ ફિલ્મમાં નાવાઝુદ્દીન સિદ્દીકી, રાજપાલ યાદવ, ઈલા અરુણ, અનુરાગ કશ્યપ, સ્વાનંદ કિરકિરે અને રાગીણી ખન્ના અભિનીત આ ફિલ્મ ઘૂમકેતુ રેગ્યુલર હિન્દી ફિલ્મ જોવાં ટેવાયેલા દર્શકોને આ ફિલ્મ ગમવી થોડી અઘરી છે..! જો કે ફિલ્મના અંતે ફિલ્મી ધબે આવતો અમિતાભ બચ્ચનનો સંવાદ: “દેખો યહ ભેલપૂરી ક કાગજ હૈ, જિસ પર કિતની ખુબસુરત લાઈને લિખી હુઈ હૈ. કિસીકી યાદદાસ્ત ખો જતી હૈ, તો કિસીકી જાયદાદ જૈસે બચ્ચે મેલે મેં ખો જાતે હૈ. વૈસે મુંબઈ મેં અચ્છે અચ્છે ખો જાતે હૈ.” ફિલ્મ વિષે ઘણું કહી જાય છે.
અલગ રીતે શૂટ, એડિટ અને ટ્રીટમેન્ટ સાથે તૈયાર કરાયેલ આ ફિલ્મના લેખક-દિગ્દર્શક છે, પુષ્પેન્દ્રનાથ મિશ્રા અને નિર્માતા છે અનુરાગ કશ્યપ અને વિકાસ બહેલ. બ્લેક કોમેડી જોન્રમાં ફીટ થાય તેવી આ ફિલ્મ OTT પ્લેટફોર્મ ઉપર રીલીઝ થઇ હોય કારોડો દર્શક સુધી જરૂર પહોંચશે. પણ બોક્ષ-ઓફિસ કે કમાણીની દ્રષ્ટીએ આ ફિલ્મ કેટલું કાઠું કાઢશે..? તેની રાહ જોવી જ રહી. કારણ ભારતીય સિનેમા જગતના પગલાને નવી કેડી બતાવનાર આ ફિલ્મ પર અનેકોની નજર છે. પણ અંતે એટલું જ કહીશ: ફિલ્મ સાથેના સંબંધને વણતી આ ફિલ્મ સિનેમાના સંબંધ કે સંબંધના સિનેમાની વાત કરે છે. નવું જોવાં અને નાવાઝુદ્દીન સિદ્દીકીના ચાહકોને આ ફિલ્મ જરૂર ગમશે.

To join Dear Gujarati visit our page & channel. here are links...
www.youtube.com/deargujarati
www.facebook.com/deargujarati


Dr. Tarun Banker

Ph. D. : Fiction into Film Have been working with Cinema, TV & Theatre from 1991.

Post a Comment

Previous Post Next Post