‘તિખ્ખી-મિઠ્ઠી લાઈફ’ વેબસીરીઝના સાત એપિસોડ પહેલા ગુજરાતી OTT પ્લેટફોર્મ ‘સિટીશોર’ ઉપર રીલીઝ થઈ ચૂક્યા છે. સર્જકોએ વેબસીરીઝને પિતા-પુત્રના તીખા-મીઠા સંબંધનોની કહાની તરીકે તેની જાહેરાત કરી છે. જે મહદ્દ અંશે સાચી પણ છે. પણ, અહીં માત્ર પિતા-પુત્રના તીખા-મીઠા સંબંધનોની જ નહીં, પિતા-પુત્રના સંબંધોને નવી વાચા આપવા સાથે લિનિયર કથાને ત્રિકોણ સ્વરૂપ આપવાની પણ વાત છે. મહાનગરોના પોશ વિસ્તારો અને અમદાવાદની પોળના કલ્ચરની પણ વાત છે. હા, એ અલગ છે કે અહીં મહાનગર (મુંબઈ)નો વાલકેશ્વર વિસ્તાર માત્ર રેફેરન્સ જ બન્યો છે, છતાંય તે આધાર તો બને જ છે.
વેબસીરીઝના પાત્રોની વાત કરીયે તો પિતા પુરુષોત્તમ પરીખ પી.પી. (મુની ઝા) અને પુત્ર અમેય પરીખ (ભૌમિક સંપત) ની કથા છે. તેમાં ભળે છે પી.પી. ના અમદાવાદની પોળના મિત્ર વલ્લભ (રાગી જાની)ની દીકરી પૂજા (જીનલ બેલાણી). ભૌમિક આમ મૂળ રાજકોટનો છે અને ઘણી હિંદી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યો છે. જીનલ મૂળ મુંબઈની અને તેણી પણ ઘણી ગુજરાતી ફિલ્મો અને વેબસીરીઝમાં અભિનય કરી ચૂકી છે. આ બન્ને વેબસીરીઝના નિર્માતા પણ છે અને કથા-પટકથા અને સંવાદ જીનલ બેલાણીએ લખ્યાં છે. ને આ બન્ને વેબસીરીઝના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર પણ છે.
મુંબઈમાં રહેતાં પરીખ પરિવારની ભગ્યલક્ષ્મી એવી હંસા પરીખ (નયના સંપત) દેવ થઈ ગઈ છે. પિતા-પુત્રના સંબંધો વચ્ચે ‘છત્રીસનો આંકડો’ છે. જનરેશન ગેપ કે એકમેકને ન સમજવાની કે ન સમજી શકવાની મથામણ. અકળામણ કે મુંઝવણ. જે કહો તે. હંસાની અંતિમ ઇચ્છા હતી કે પિતા-પુત્ર અમદાવાદ જઈ પોળના મકાનમાં પંદર દિવસ સાથે રહે. બધાં જ કામો જાતે કરવાના અને તે પેટે મળશે કુલ પચાસ હજાર રૂપિયા. જો કે પાછળથી (બન્નેના અમદાવાદ આવ્યાં પછી) એક નવી શરતનો પણ ઉમેરો થાય.
સાત એપિસોડ લગભગ પંદરથી વિસ મિનિટની લંબાઈવાળા, પણ મેકિંગ અને નેરેટિવ એટલા સીધા, સરળ અને રસાળ કે એપિસોડ ક્યાં પૂરો થઈ જાય તેની ખબર પણ ન પડે. સહજ અભિનય, ફિલ્માંકન અને સંકલન. જીનલ અભિનેત્રી તરીકે સરસ અને સહજ લાગે છે, પણ લેખક તરીકે વધુ પ્રભાવ પાડે છે. સંવાદમાં અમદાવાદી ભાષાનો છમકાર અને ટુ ધ પોઈન્ટ વાક્યો સાંભળવા અને માંણવા ગમે એવાં છે. કથા પણ સરસ રીતે વણી છે ને પટકથા પણ. એપિસોડના શીર્ષકો અનુક્રમે ‘ધ લાસ્ટ વિશ’, ‘પોળ અને રિંગણા’, ‘મમ્મી ડિડન્ટ લવ અસ’, ‘આઈડિયાના બે ટકા’, ‘જીવનનું સંગીત’, ‘બધાં એક જેવાં છે’ અને ‘પપ્પા હોય જ એવા’માં આગળ ધપતો કથાક્રમ ચોક્ક્સ ગતિએ વહે. શાંત અને સુંદર ઝરણાની જેમ. લેખક કે દિગ્દર્શક્ને આ પ્રવાહને વેગીલો કે ઉછળકૂદ કરતો બનાવવાની જરાય ઈચ્છા નથી ને એ જ તેની મઝા છે.
Join us : www.facebook.com/deargujarati
પિતા-પુત્રના સંબંધને એક સંવાદથી સમજી શકાય. “શબ્દો પર નહીં ઈન્ટેન્શન પર ધ્યાન આપવાનું.” તો પોળની સંસ્કૃતિ માટેઃ “પોળ જોવા નહીં જીવવા માટે છે.” પોળના ત્રણના માળના મકાન પૈકી પહેલાં અને બીજાં માળનો સવિશેષ ઉપયોગ કરાય. વારંવાર ઉપર-નીચે ચઢ-ઉતર કરતાં પિતા-પુત્રના સંબંધો પણ સતત ઉપર-નીચે થાય છે, ને આ વાતને દિગ્દર્શક સીડીની ચઢ-ઉતરથી કળાત્મક રીતે રજૂ કરવામાં સફળ રહ્યા છે. મુંબઈના બંગલાની મોજ અને પૈસાની રેલમછેલ સામે પોળના મકાનની પરંપરાગત બાંધણી, એર કંડિશનની ગેરહાજરી અને પૈસાની સંકાળામણ વચ્ચે પિતા-પુત્રના સંબંધો વચ્ચે ભળી જતી કે તેમને ભળવામાં મદદ કરતી કે તેમને ભેળવતી પૂજા. જે કહો તે. પણ મઝા-જલસો-ટેશડો પડી જાય છે.
પહેલાં એપિસોડમાં આવતુ હરિભાઈ (જિજ્ઞેશ મોદી)નુ પાત્ર સંવાદ સ્વરૂપે થોડું લાંબુ ચાલે છે, પણ દ્રશ્ય સ્વરૂપે ટૂંકમાં જ સમેટાઈ જાય છે. વલ્લભ (રાગી જાની) અને વકીલ (વૈશક રત્નાબહેન) પણ પૂરક પાત્ર છે કે સહાયક પાત્ર. જે કહો તે. પણ હા, આ બધાં પાત્રો કથાવહન અને પ્રસંગ નિર્માણ કે ઘટનાક્રમ સર્જન માટે જરૂરી બને છે.
સામાન્યતઃ ગુજરાતી ફિલ્મોએ બીબાઢાળ, બીજી ફિલ્મોનુ અનુકરણ કરતી અને અન્ય ભાષામાંથી ઉઠાંતરી કરવાની પેટર્ન અપનાવી છે. જો કે વેબસીરીઝના આગમન પછી નવીન વિષયવસ્તુ આવી છે. સીમિત કળાકારો, સજ્જ્ડ કથા અને સટીક પટકથા. ટૂંકમાં ક્યાંય ઝોલ નહીં. ‘તિખ્ખી-મિઠ્ઠી લાઈફ’ વેબસીરીઝના કથિત સ્ટારની મોનોપોલી પણ તૂટી છે. નહીં તો અમુક તમુક હીરો જ ચાલે. હિરોઈન તરીકે તો ફલાણી કે ઢિકણીને જ લેવી પડે જેવી વાડાબંધી અહીં તૂટી છે અને તે પણ સફળતાપૂર્વક. અનેક હિંદી ફિલ્મો કરનાર ભૌમિક સારો એકટર પુરવાર થાય છે. બીબાઢાળ કે મેનરિઝમવાળી એકટિંગના બદલે સહજ અને સંતુલિત અભિનય થકી તે ગુજરાતી સિનેજગત માટે આશાસ્પદ ચહેરો બન્યો છે. જીનલ પણ પ્રભાવલ લાગે છે.
Join us : www.youtube.com/deargujarati
વાલ્મિકી પિકચર્સ અને સિટીશોરની આ પ્રસ્તુતિ ગુજરાતી ભાષાના ઓડીયો-વિઝ્યુઅલ માધ્યમ માટે નવો ચિલો ચાતરનારી બને તેમ લાગે છે. એક-બે કળાકારો કેટલાંક દ્રશ્યોમાં ને બીજાં એક-બે દ્ર્શ્યોમાં સહજ અભિનય પ્રસ્તુત કરવા પાત્ર-અભિનય કે પ્રસ્તુતિને ઓવર રીડ કરતાં ભાસે છે કે ઓવર એકટિંગ કરતા. જે કહો તે. પણ ઓવરઓલ ઓલ ઇઝ વેલ છે.
અને અંતેઃ ‘ચાંપલા’ નેરટિવ અને ‘ઝાગઝુગ’ મેકિંગની બાદબાકી કરી ઉફરો અનુભવ કરાવતી વેબસીરીઝ ‘તિખ્ખી-મિઠ્ઠી લાઈફ’ સુજ્ઞ દર્શકોને જરૂર ગમશે.