૮ એ.એમ. મેટ્રોઃ સંબંધોના નિબંધ-કવિતા જેવી ફિલ્મ

         રાજ રાચકોંડાની એ.એમ. મેટ્રો, આમ તો એકાદ વર્ષ પહેલાં રિલીઝ થયેલી ફિલ્મ. પણ આ ફિલ્મ હાલમાં ઝી-૫ ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થઈ છે. બાળપણના એક બનાવને કારણે ટ્રેનમાં એકલા બેસતા ડરતી ઈરાવતી (સૈયામી ખેર)ને સામાજિક કારણવશ નાંદેડ થી હૈદ્રાબાદ જવું પડે. ટ્રેન મારફતે. તે પણ એકલા..! ઘરમાં થતી અવગણના અને મનમાં ઘર કરી ગયેલ ડર સામે ઝઝૂમતી, ઇરાવતી નાની બહેન રિયા હૈદ્રાબાદમાં રહે છે. એકલી છે. પતિ વિદેશ છે. રિયા બાળકને જન્મ આપવાની હોય તેની દેખભાળ કરવા એકલી ટ્રેનની મુસાફરી કરી હૈદરાબાદ આવી તો ગઈ, હવે..?



વાત આટલેથી અટકતી નથી. હૈદ્રાબાદ પહોંચ્યા પછી પણ રોજ ટ્રેનમાં સફર કરવી પડે છે. હોસ્પિટલથી ઘર રિક્ષામાં જવું હોય તો ૫૦૦ રૂપિયા અને અઢી કલાક થાય. મેટ્રોમાં ૫૦ રૂપિયા અને અડધો કલાક. મેટ્રો ટ્રેનમાં. સવારના ૮ વાગ્યાની મેટ્રો ટ્રેનમાં..! ડરને કારણે તેને પરસેવો આવવા લાગે છે. સ્ટેશન પર હાજર આજાણ્યો મુસાફર તેણીની મદદ કરે. બીજા દિવસે બંને એ જ સમયે ફરી મળે. તે ઈરાવતીનો ડર દૂર કરવાનો પ્રયાસ કરે છે. આજાણ્યો મુસાફર, પ્રીતમ (ગુલશન દેવૈયા). ધીરે ધીરે બંને મિત્રો બની જાય.  ફિલ્મમાં ઈરાને સતાવતો માનસિક આઘાત અને દુઃખ વાચાળ નિબંધની જેમ આપણી સમક્ષ વંચાય અને  ક્યારેક કવિતાની જેમ ગવાય છે.

પ્રીતમ પુસ્તક પ્રેમી છે. ઈરાવતીને પણ કવિતા કરવી ગમે છે. પરિણામે બન્ને વચ્ચે એક સંબંધ બંધાય. સમયાંતરે સાહિત્ય અને કોફી સાથે હળતા-મળતા એક બંધન જન્મે. બન્ને એકબીજા અંગે જાણે. પ્રીતમ બેંકર છે, જેની જીવનની બેલેન્સ શીટનું જમા પાસું સબળું છે. પત્ની અને બે બાળકો. સુખી જીવન ખુશહાલ જીવન. ઈરાવતીનું પણ એમ જ છે. પતિ અને બે બાળકો. સવારે ૮ એ.એમ. મેટ્રોમાં જવું અને સાંજે ૬ પી.એમ. મેટ્રોમાં પાછા આવવું એ તેમનું રૂટિન બની જાય. દરમિયાન રોજબરોજના જીવનની વાતો. પ્રીતમ દ્વારા કહેવાતા સાહિત્યના સંદર્ભ બિંદુ.

તેલુગુ લેખક મલ્લદી વેંકટ કૃષ્ણમૂર્તિની નવલકથા અંદમૈના જીવિતમ (૧૯૮૯) (ઇટ્સ એ બ્યુટીફુલ લાઇફ) પરથી પ્રેરિત ફિલ્મ  શીર્ષક મુજબ, વાર્તા સવારે આઠ વાગ્યે મેટ્રોમાં મળતાં બે અજાણ્યાઓની આકસ્મિક મુલાકાત પર આધારિત છે. ફિલ્મ અને પુસ્તકની વાર્તા વચ્ચે મોટો ભેદ છે, જે ફિલ્મમાં દેખાતો નથી. ફિલ્મમાં સૈયામીની શરૂઆત સારી રીતે થાય છે. ગૃહિણીપણુ અને સંસ્કારીતા જાળવવા મથતી જણાય. પ્રીતમ ઘણા સ્તરોને પકડી રાખે છે. તેના પાત્રની જટિલતા અંત સુધી જળવાઈ રહે. લેખકે દોરેલા પાત્રોના પુસ્તક્યા સ્વભાવથી પટકથાને દૂર રાખી શકાઈ હોત.

ઇરાવતીની કવિતા ને પ્રીતમની વાતો. ઇરાવતી ગુલઝારના શબ્દો (કવિતા) ઉછીની લે અને પ્રીતમ મશહુર લેખકોની ઉક્તિઓ અને પુસ્તકોની વાતો. આમ તેમનો વાર્તાલાપ લંબાતો ને તેમને જોડતો રહે. બંને વચ્ચેના સંવાદ એકમેકને માનસિક રીતે મજબૂત બનવાની સલાહ આપે. મેટ્રોમાં બંને વચ્ચે થયેલી વાતચીત ઘણી રસપ્રદ છે. સારી વાત એ કે પોતાના લગ્ન જીવન વિશે ખુલીને વાત કરે.  પ્રીતમ ઈરાના લખાણના વખાણ કરે. તેને લખવા માટે પ્રોત્સાહિત કરે છે. ઈરાવતી પણ તે જ ઝંખતી હતી. પિતાની કવિતાઓ પ્રકાશિત કરવી હવે તેણીનું સપનું બને. પ્રીતમના પ્રોત્સાહનને કારણે જ ને..?

ઈરાવતી કહેઃ આપણાં માનસિક સ્વાસ્થ્ય વિશે બીજા સાથે વાત કરવી જોઈયે..? સામાન્ય રીતે લોકો તેને હળવાશથી લે છે, પરંતુ આ સમસ્યાથી પીડિત વ્યક્તિ જે પીડામાંથી પસાર થાય છે તેને તે જ જાણે છે. માનસિક બીમારી દરેક સાથે શેર કરવી એટલી સરળ નથી. તેના ઉકેલ માટે મોકડ્રિલ પણ કરાય. થોડા સમય માટે પ્રીતમ ઈરાવતી બની સંવાદ રચે..! શું ઇરા પુસ્તક લખી-છપાવી શકે છે..? ફિલ્મનો અંત અને અંત પહેલા આવતો વળાંક રોચક છે. જે જાણવા ફિલ્મ જોવી જ રહી.

એક કલાક છપ્પન મિનિટ લાંબી ફિલ્મના દિગ્દર્શક અને સહ-પટકથા લેખક રાજ રાચકોંડા ગંભીર મુદ્દાઓ સાથે હળવાશને બેલેન્સ કરી છે. પુસ્તકોની સાથે તેઓ માનવતાનું મહત્વ પણ સમજાવે છે. હૈદરાબાદના પ્રખ્યાત સ્થળો પણ બતાવે છે. સામાજિક મુદ્દાઓની ચર્ચા કરે છે. બાળકોની પ્રતિભાને અવગણવા, સંબંધોમાં સમાધાનની જરૂરિયાત અને પરસ્પર સંવાદનો મુદ્દો પણ ઉઠાવે છે.

ફિલ્મમાં ગુલઝારની સાત કવિતાઓનો ગુલદસ્તો ક્રમશઃ પ્રસ્તુત કરાયો છે. ફિલ્મના ઘણાં દ્રશ્યો હૈદ્રાબાદ મેટ્રોમાં શૂટ કરાયા છે. શન્ની કુરાપતિનું દ્રશ્યાંકન આવાં અનેક દ્રશ્યોમાં મહોરી ઉઠે છે. અનિલ અલાયમનું સંકલન અને માર્ક રોબિનનું સંગીત સામાન્ય છે. ‘વો ખુદાઅનેહે ફિકરગીત ફિલ્મના મૂડને બયાન કરે છે. અંદાજિત ચારેક કરોડના બજેટમાં બનેલ આ ફિલ્મનું નિર્માણ સ્ટુડિયો ૯૯ એ કર્યું છે. ફિલ્મને ક્રિટિક્સે વખાણી છે, કારણ તે જીવંતતા, જીવન, નુકશાન અને નિદાનનો અર્થ સમજાવે છે. કોઈકને આ ફિલ્મ ગ્રુપ થેરાપી સેશન જેવી પણ લાગી શકે..!

અભિનયની વાત કરીએ તો ગુલશન દેવૈયા પ્રીતમની પીડા અને લાગણીને વાચા આપે છે. સંયામી ઇરાવતીના મૂડ અને સંઘર્ષને ખૂબ ગંભીરતાથી વ્યક્ત કરે છે. બન્નેની કેમેસ્ટ્રી પણ સ્ક્રીન પર જોવી ગમે તેવી છે.  સંયામી કવિતા સંભળાવતી વખતે લયબધ્ધ ભાસે છે. ફિલ્મ સરળપણે પ્રિયજની કિંમત, મહત્વ અને જીવનના ડરને દૂર કરવાની રીત પણ શીખવી જાય છે. ટૂંકમાં ધીમી પણ લયબદ્ધ અને વાચાળ પણ ભાવમય ફિલ્મ, ખરેખર તો સિનેમાના શોખિનોને ગમે તેવી ફિલ્મ. એ.એમ. મેટ્રો. આખી ફિલ્મનો સાર એક કવિતામાં સમાહિત પણ થાય. “કભી કભી દો લોગ, રાત મેં ગુજરનેવાલે જહાજો કી તરહ હોતે હૈ. જો સંયોગ સે એક-દો બાર મીલતે હૈ, ઔર ફિર જિંદગી મેં કભી નહીં મીલતે.”

tarunkbanker@gmail.com

Dr. Tarun Banker

Ph. D. : Fiction into Film Have been working with Cinema, TV & Theatre from 1991.

Post a Comment

Previous Post Next Post