રૌતુ કા રાઝઃ દેશી શેરલોક હોમ્સની ફિલ્મ

 ઉત્તરાખંડના નાનકડા ગામ રૌતુમાં ચાલતી અંધ શાળાના વોર્ડનનું અચાનક મૃત્યુ અને તેના પગલે આકાર લેતો ઘટનાક્રમ ફિલ્મ રૌતુ કા રાઝ ફિલ્મનું કથાનક છે. વોર્ડનના મૃત્યુની જે ઘટના પ્રાથમિક દ્રષ્ટિએ કુદરતી દેખાય છે તે પોસ્ટમોર્ટમના પ્રાથમિક તારણમાં શંકાસ્પદ જણાતા તપાસ અધિકારી દીપક નેગી (નવાઝુદ્દીન સિદ્દીકી) તેમની ટીમ ગુથ્થી ઉકેલવા નીકળી પડે છે. મૃત્યુ અને હત્યા વચ્ચે ઝોલા ખાતો આ વિષય સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બને..!

અંધ શાળાના ટ્રસ્ટી મનોજ કેસરી (અતુલ તિવારી), આચાર્ય અને અન્ય ઘણાં શંકાના દાયરામાં આવે. એક નવી વાત પણ સામે આવી છે કે શાળાની કિંમતી જમીન પર પણ કેટલાક બિલ્ડર માફિયાઓ નજર છે. જો કે અંતે આ ફિલ્મ બળાત્કાર જેવા જઘન્ય અપરાધો સામે પ્રશ્નો ઉઠાવે. શારીરિક રીતે વિકલાંગ (અંધ) બાળકોના સારા ભવિષ્ય સંબંધિત સવાલ ઉઠાવે અને ઉકેલો પણ સૂચવે છે. મઝાની વાત એ છે કે અનેક તર્ક વિતર્ક પછીય આ ફિલ્મનું રહસ્ય અંત સુધી જળવાયેલું રહે જે ફિલ્મને રસપ્રદ બનાવે છે.



'રૌતુ કા રાઝ' ઝી ૫ પર સ્ટ્રીમ થઈ રહી છે. નવાઝુદ્દીન સિદ્દીકીની મુખ્ય ભૂમિકા અને ધારદાર એક્ટિંગથી સજ્જ આ ફિલ્મમાં સતત આવતાં નવા-નવા પાત્રો દર્શકોને વ્યસ્ત તો રાખે જ છે, પણ સાથોસાથ શંકાના વાદળો પણ ઘેરાતા રહે છે. થોડા અકળ કે અનાડીપણા તળે ચાલાક પોલીસ અધિકારી તરીકે નવાઝુદ્દીનને જોવા ગમે છે. પોતાની સ્ટાઈલમાં કેસ સોલ્વ કરવાની રીતભાત સાથી કર્મચારીઓને અકળાવે પણ અને પ્રેરીત પણ કરે. ફિલ્મ મર્ડર મિસ્ટ્રી છે એટલે તેની વાર્તાની વધુ વાત કરી ફિલ્મ જોતી વખતે તમને રસક્ષેપ થાય તેવું કાર્ય નથી કરવુ.

આનંદ સુરપુરેના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મમાં પોલીસની કરતૂત તમને પોલીસ સાથે સંકળાયેલ અનેક ફિલ્મોની યાદ અપાવે છે. આ પહેલાં આનંદ સુરપુરે ફરહાન અખ્તર અને અન્નુ કપૂર સાથે સંકળાયેલ ફિલ્મ 'ધ ફકીર ઑફ વેનિસ'  અને સાઉથ ઈન્ડિયન સ્ટાઈલની ક્વિક ગન મુરુગનજેવી ફિલ્મો બનાવી છે. ફિલ્મમાં વણાયેલ ઝીણવટ સર્જકના સંશોધનને દર્શાવે છે. પોલીસ તપાસમાં કરાતી નિષ્કાળજી અને થતી ગેરરીતિઓ પોલીસની આદતેને સચોટપણે બયાન કરે છે. ફિલ્મ ધીમી અને એકધારી ચાલતી હોવા છતા કથા અને પટકથા તથા દિગ્દર્શકની મહેનત ફિલ્મને કંટાળા જનક બનવા નથી દેતી. ફિલ્મમાં અંધ ટિનેજરનો કથાચિલો પણ ફિલ્મના વહન અને રહસ્યમાં અગત્યનો ભાગ ભજવે છે. હા, ફિલ્મમાં કેટલીક જ્ગ્યાએ ખામીઓ જરૂર નજરે છે.

પકડાયેલ રકમ વીસ લાખ છે કે તીસ લાખ..? પહેલી વખતે રૂમની તપાસ વખતે કંઈ જ ન મળે, પણ શંકાની સોઈ તંકાયા પછી પુનઃ તપાસ કરાય ત્યારે રોકડ રકમ સહિત ઘણું બધું મળે..! ત્યારે લાગે કે કથાકાર જ્યારે ધારે ત્યારે આપણને ઉલ્લુ બનાવી શકે છે..! નિર્દેશક પણ દર્શકોને મૂર્ખ સમજે છે..? રૌતુ કા રાજના દિગ્દર્શક આનંદ સુરપુર એક સાદા મર્ડર કેસને ફિલ્મના રૂપમાં રજૂ કરવામાં સફળ રહ્યા છે, પણ ફિલ્મના અનેક દ્રશ્યો વાર્તા પ્રમાણે બિનજરૂરી લાગે છે.

for filmy updates subscribe

https://www.youtube.com/@manoranjan9

ફિલ્મમાં થોડી હળવાશની પળો પણ ખરી. કેટલીક ટેકનિકલ બાબતો પણ. પોસ્ટમોર્ટમ અને વિસરા સાચવવાની વાત કે મેડિકલ ટર્મ તરીકે વપરાતો શબ્દ એર એમ્બોલિઝમદર્શકોને કંઈક નવું કહી કે શીખવી પણ જાય છે. હા, ફિલ્મ એકંદરે તેજ ઝડપે આગળ વધવાને બદલે ધીમે ધીમે વાર્તા કહેવામાં માને છે. અને કદાચ ફિલ્મની સ્ટાઈલ અને હાઇલાઇટ બને છે. રૌતુ કા રાઝ એક એવી ફિલ્મ છે જે ખૂબ જ સ્વચ્છ અને હળવાશથી વાર્તા કહે છે. ફિલ્મની વાર્તાની ગતિમાં કોઈ ગતિ નથી, છતાંય ફિલ્મની ગતિને કોઈપણ રીતે અસર કરતી નથી.

ફિલ્મ આપણને ઉત્તરાખંડના ગામડાઓ અને ત્યાં રહેતા લોકોની ભાષા અને જીવનશૈલીની ઝલક બતાવે છે. ફિલ્મ જોતા તમે થોડા કલાક માટે પહાડોમાં તમારી જાતને અનુભવશો. જેમ જેમ વાર્તા આગળ વધે છે તેમ તેમ તેનો ભાવાલય સમજાય છે. આ દેશી શેરલોક હોમ્સની ફિલ્મ છે, ભલે તેમાં શેરલોક હોમ્સની ગતિનો ગ પણ ન હોય, પણ આત્મા એવી જ છે. આ ફિલ્મ સામાન્ય મર્ડર મિસ્ટ્રીથી થોડી અલગ રીતે બનાવવામાં આવી છે. ફિલ્મમાં સામાજિક સંદેશ આપવાનો પણ પ્રયાસ કરાયો છે. ભ્રષ્ટાચાર, ગંદી રાજનીતિ, મહિલાઓ પર અત્યાચાર જેવી બાબતો પણ વણી લેવાઈ છે.

એકટરોના નખરાં કેટલાં..?

https://youtu.be/INnbjMToy4Y?si=s0g-fCxghD5lsT0b

ફિલ્મની પહેલી તાકાત નવાઝુદ્દીન સિદ્દીકી છે. જો તે ફિલ્મમાં ન હોત તો કદાચ ફિલ્મ વેરવિખેર થઈ ગઈ હોત. તેની આવડત ફિલ્મને બાંધવાનું કામ કરે છે. રાજેશકુમાર શહેરના સ્થાનિક પોલીસ અધિકારીની ભૂમિકા સારી રીતે ભજવે છે. સહાયક પોલીસ તરીકે સમૃધિ ચંદોલા અન્ય કર્મી સાથે લગ્ન કરવા ઉત્સુક સ્ત્રી અને હવાલદાર તરીકે હાસ્ય જન્માવે છે. મૃતક વોર્ડન નારાયણી શાસ્ત્રી ફ્લેશબેકમાં જીવિત થાય ત્યારે તેનો સ્વભાવ, પ્રકૃતિ અને ચાલ-ચલનની ખબર પડે. અને હત્યાનું રહસ્ય પણ.

લો બજેટની ફિલ્મ પછીય ઉંચાઈ સારી છે અને મહત્વપૂર્ણ પણ. કારણ ફિલ્મમાં વણી લેવાયેલ સામાજિક સંદેશ અસરકારક રીતે રજૂ કરાયો છે. બળાત્કાર જેવાં દુષ્કર્મને સામાન્ય માનવો અને પીડીતાને અન્ય રીતે હેન્ડલ કરવી અને પછી ઠપકો આપવો..! અહીં વ્યર્થ પ્રશાસન અને કોઈ ગમે તે કરે, તેનો અર્થ એ નથી કે આપણે કોઈની સાથે ગમે તેવું વર્તન કરવું..! કંઈ સમજાયું..? ખૈર, અભિનય ફિલ્મનું સક્ષમ પાસું છે. મુખ્ય કળાકારોની એક્ટિંગ અને ટાઈમિંગ પરફેક્ટ છે. કથાનો એક મુદ્દો ૧૫ વર્ષથી શહેરમાં કોઈ હત્યા થઈ નથી. અહીં મર્ડર થતા નથી. કુદરતી રીતે જ મૃત્યુ પામે છે. જેવી વાતો કથામાં સબળ ભાસે, પણ ઈન્સ્પેક્ટર દીપક નેગીને રૌતુમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલતા રોકી શકતી નથી. હત્યાનો ભેદ બહુ રોચક છે, અને તે જોવા જાણવા ફિલ્મ જોવી જ રહી. તમને સારી સિનેમાની સમજ હોય તો, કંટાળો નહીં જ આવે.

tarunkbanker@gmail.com

Dr. Tarun Banker

Ph. D. : Fiction into Film Have been working with Cinema, TV & Theatre from 1991.

Post a Comment

Previous Post Next Post