ગુજરાતી ફિલ્મ સર્જકોની હાલત “બકરી લેવાં જતાં રસ્સી ગુમાવ્યા” જેવી


ડીજીટલ ટેકનોલોજીએ ફિલ્મ બનાવવાનું સહેલું કરી આપ્યું ને ખર્ચ પણ ઘટાડ્યો, પરિણામે ફિલ્મ સર્જનમાં તેજીનો તોખાર હણહણી રહ્યોં છે. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતાં ત્યારે ‘ગુજરાતી સિનેમા ઉદ્યોગના નવનિર્માણ’ અન્વયે પ્રાદેશિક ફિલ્મને અપાતી પાંચ લાખ રૂપિયા સબસીડી બંધ કરી દેવામાં આવી. આ નવનિર્માણની નીતિ ત્રણેક વર્ષ પછી આનંદીબહેન મુખ્યમંત્રી હતાં ત્યારે જાહેર કરાઈ. સબસીડી પાંચ લાખથી વધારી પાંચ લાખથી પચાસ લાખ સુધી કરવામાં આવી. હાશ..! ફિલ્મમેકરો રાજીના રેડ થઈ ગયાં..!  ચોતરફ આશા ડોકાવા લાગી કે હવે ગુજરાતી સિનેમાના સારા દિવસો આવશે. પણ આશા ઠગારી નીકળી હોવાનું વર્તાઈ રહ્યું છે. આ તકે ફિલ્મ સર્જકોની હાલત “બકરી લેવાં જતાં રસ્સી પણ ગુમાવવાનો વારો” આવ્યાં જેવી છે.

સરકારે જાહેર કરેલ સબસીડીની પોલિસી સ્પષ્ટ નથી. વળી તે મેળવવા કરવા પડતાં કાગળિયાં એટલા વિકટ છે કે ફિલ્મકારે સર્જક મટી ક્લાર્ક કે એકાઉન્ટન્ટ બની જવું પડે..! આ અંગે સંલગ્ન ઓફિસમાં કોઈ જવાબ ન મળતો હોવાની ફરિયાદો આકાર પામી રહી છે. દિવ્ય ભાસ્કર દૈનિકના ૧૬મી જુન ૨૦૧૭ન અહેવાલ (હેડલાઈન : દોઢ વર્ષે માત્ર એક ગુજરાતી ફિલ્મને સબસીડી) અન્વયે ફિલ્મકાર અભિષેક જૈનએ કહ્યું હતું કે,
“ નવી ફીલ્મનીતિ અંતર્ગત સરકારે ગુજરાતી ફિલ્મ માટે સબસીડી મેળવવા માટે જે નિયમો અને દસ્તાવેજો નક્કી કર્યાં છે, તેના માટે ખાસ્સું પેપરવર્ક કરવું પડે તેમ છે.”
આ જ અહેવાલમાં નિર્માતા અજય પટેલે જણાવ્યું હતું કે,
“ગુજરાતી ફિલ્મોને સબસીડી માટેની સરકારી નીતિ ભારે ગુંચવણભરી છે....”
એક તો જ્યારે ચોતરફી સંસ્કૃતિક આક્રમણ વચ્ચે પ્રાદેશિક ફિલ્મજગત બેઠું થવા મથી રહ્યું છે, ત્યારે સરકારે તેને મદદરૂપ થવાને બદલે એવી ગુંચ ઘાલી આપી છે કે..! આટલું પુરતું નથી ને વિતરકોની પળોજણ..! મલ્ટીપ્લેક્ષ સંચાલકોની દાદાગીરી..! પ્રાદેશિક ફિલ્મ રજૂ કરવાના સમયપત્રકના રાડા..! ને બોક્ષ ઓફીસ કલેક્શન આવે તો તેમાંથી નિર્માતાના હાથમાં આવવાપત્ર રકમની ચુકવણી..! બિચારો નિર્માતા કે ફિલ્મ સર્જક જાયે તો જાયે કહાં..? પરિણામ એ આવ્યું છે કે એકવાર ફિલ્મ બનાવનાર ફિલ્મ નિર્માતા બીજીવાર આ દિશામાં વિચારતો પણ નથી..! આમ સરવાળે જોઈએ તો પ્રાદેશિક ફિલ્મને પ્રોત્સાહન આપવા બનાવાયેલ નીતિમાં ગ્રેડ પ્રમાણે સબસીડી પાંચ થી પચાસ લાખ થયી ખરી પણ મળતી નથી. અને મેળવવી હોય તો અભિમન્યુના સાત કોઠા વિંધતા આવડવું જોઈએ. ફિલ્મ બનાવતા આવડતું હોય કે ન હોય કાગળિયાં તૈયાર કરતાં આવડવું જોઈએ. શું આ પ્રક્રિયાને સરળ અને single windowવાળી ન બનાવી શકાય..? સરકાર બધું જ હાથમાં રાખ્યા પછી જવાબદારી સર્જકના માથે મૂકી દે તો કેવી રીતે ચાલશે..?
ગુજરાતી ફિલ્મના સર્જકો માટે સરકાર શું કરી શકે..?
ફિલ્મ ઈતિહાસકાર હરીશ રઘુવંશીના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૧૭માં ૭૯ ગુજરાતી ચલચિત્રોને સેન્સરમાંથી મંજુરી મળી છે. (આ પૈકી કેટલી ફિલ્મો રીલીઝ થયી છે, તેનો ચોક્કસ આંકડો મળ્યો નથી). હવે આ તમામ ૭૯ ફિલ્મોને સરેરાસ ૧૫ લાખ સબસીડી અપાય તો સરકારે વાર્ષિક ૧૦ થી ૧૨ કરોડ રૂપિયા ફાળવવા પડે. મનોરંજન કર પેટે સરકાર ૧૫ થી ૨૦% નાણા વસુલે છે. વર્ષ ૨૦૧૭-૧૮માં સરકારે વસુલેલ મનોરંજન કરનો ચોક્કસ આંકડો તો મળ્યો નથી, પણ એક અંદાજ અનુસાર આ આંકડો ગુજરાત સરકાર વરસે ૧૨૫થી ૧૫૦ કરોડ રૂપિયા મનોરંજન કર તરીકે વસુલે છે. જો આ આવકના માત્ર ૧૦% જ પ્રાદેશિક ફિલ્મોના પુનરોથ્થાન કે નવનિર્માણ માટે ફાળવાય તો પણ બસ. કારણ એક ફિલ્મમાંથી સરેરાસ બસ્સોથી ત્રણસો (૨૦૦થી ૩૦૦) લોકોને રોજી મળે તેવું અનુમાનીયે તો પણ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વરસે સોળથી વીસ હજાર લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે.
૧. સરકારે નિયત કરેલ નીતિને શક્યત: paperless બનાવવી જોઈએ. જો નિર્માતા ગોબાચારી કરી ખોટી રીતે કે ખોટા બજેટ દર્શાવી તગડી સબસીડી વસુલવાની વૃત્તિ રાખતો હોય તો તેને દંડ કરવો જોઈએ. બ્લેકલિસ્ટ પણ કરાય. ફિલ્મના બજેટ અંગે નિર્માતા self affidavit રજૂ કરે તો તેને માન્ય રાખવું જોઈએ. audit કે અન્ય તપાસમાં તે ખોટું ઠરે તો શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવી જોઈએ. પણ “પાડાના વાંકે પખાલીને ડામ” જેવી નીતિ તો ન જ રખાય.
૨. વર્તમાન નીતિની સાથે નિયત સબસીડીની યોજના પણ અમલી બનાવી શકાય, જેમાં વધારે કાગળિયાં કે ઝંઝટ વગર ફિક્ષ સબસીડી યોજના બનાવી શકાય. આ યોજના અન્વયે ફિલ્મ સર્જક સરકારે નક્કી કરેલ ફિક્ષ સબસીડી અનુસાર (પહેલાં પાંચ લાખ રૂપિયા હતાં) જે રકમ નક્કી થાય તે મેળવી શકે.
૩. ગુજરાતી ફિલ્મો દર્શાવતા થીયેટર (મલ્ટીપ્લેક્ષ) માલિકો દ્વારા અખત્યાર કરાયેલ એકાધિકાર (monopoly) દુર કરવા નિયમોમાં જરૂરી સુધારા કરવા જોઈએ. નવા સિનેમાઘરો બને તેવી પ્રોત્સાહક નીતિ બનાવવી જોઈએ. વળી ગુજરાતી ફિલ્મના નિદર્શન માટે વિશેષ, નક્કર અને સર્જકો માટે લાભપ્રદ જોગવાઈ કરવી જોઈએ.
૪. અન્ય ભાષાઓની જેમ ગુજરાતી ચલચિત્રો પ્રદર્શિત કરી શકાય તેવી ૨૪ કલાકની ટીવી ચેનલની દિશામાં પ્રયાસ થવા જોઈએ. આજે માત્ર એકલ-દોકલ ચેનલ છે, જેમાં અઠવાડિયે એકાદ ફિલ્મ દર્શાવાય છે. તેના સ્થાને રોજની ત્રણથી ચાર ફિલ્મો પ્રદર્શિત થાય તેવાં આયોજનો સાકાર થવા જોઈએ.
૫. સરકારી ચેનલ (દૂરદર્શન ગુજરાતી) ઉપર રોજ એક ગુજરાતી ફિલ્મ રજૂ થાય તેવું આયોજન કરવું જોઈએ. આવા ઘણાં મુદ્દાઓ ઉપર કામ કરી શકાય. જરૂરી જણાય તો જાહેર ઘોષણા કરી સૂચનો પણ મંગાવી શકાય.
ગુજરાતી ફિલ્મના સર્જકો શું કરી શકે..?
ગુજરાતી ફિલ્મના સર્જકોએ પણ વાસ્તવિક સ્થિતિને સમજવી જ પડશે. તાજેતરમાં જ કલ્પ ત્રિવેદીના લેખ (જે સોશ્યલ મીડિયા પ ફરતો થયો હતો) અનુસાર કામગીરી થવી જોઈએ.
જેમના નામે કોઈ પણ સિનેમા માં એક ચકલી પણ આવવાની નથી અને એસ.ટી. ની બસ માં મુસાફરી કરે તો બાજુ વાળા ને ખબર પણ ના હોય કે આ કોઈ ફિલ્મ નો એકટર કે કહેવાતી હિરોઈન છે એવા કહેવાતા કલાકારો ને હેસિયત બહાર નાં પૈસા આપો અને નખરા ઉઠાવી જમાઈ ની જેમ રાખો.”
૧. ફિલ્મ હીરો કે હિરોઈન આધારિત નહી પણ વાર્તા, વિષયવસ્તુ, પટકથા અને ફિલ્મમેકિંગ આધારિત હોવી જોઈએ અને તે દિશામાં ગયા વગર મને તો ઉદ્ધાર દેખાતો નથી.
૨. ફિલ્મના નિર્માણ બજેટને કાબુમાં અને નિયત માત્રામાં જ રાખો. મારી દ્રષ્ટિએ ૨૦થી ૪૦ લાખ રૂપિયામાં સારી ગુજરાતી ફિલ્મ બનાવી શકાય. ૧૦થી ૨૦ લાખ માર્કેટિંગ ખર્ચ ગણો તો પણ ૫૦થી ૬૦ લાખના બજેટમાં આખો પ્રોજેક્ટ પૂરો કરી શકાય. જો આમ થાય તો એકાદ કરોડના કલેકશનમાં નિર્માતા ખર્ચમાંથી બહાર આવી શકે.
૩. ફિલ્મના સર્જન સાથે સંકળાયેલ અપ્રત્યક્ષ ખર્ચાઓ અને અનિયત ખર્ચ પર સંપૂર્ણ કાબુ રાખવો જ રહ્યો.
૪. ફિલ્મ સર્જન “કાકા-મામા”ના દીકરા-દીકરી માટે નહી, બહુમતી વર્ગ (આખું ગુજરાત અને પ્રત્યેક ગુજરાતી) ને ધ્યાને રાખી કરાવું જોઈએ.
૫. પ્રાદેશિક (ગુજરાતી) ફિલ્મ છે એટલે તેને હિન્દી કે અન્ય ભાષા જેવી ફિલ્મ બનાવવાથી બચવું જ પડશે. જો તમે પણ એવી જ ફિલ્મ બનાવશો તો દર્શક શું કામ પ્રાદેશિક ફિલ્મ જોવા આવશે..? પ્રાદેશિક ફિલ્મમાં પ્રદેશ, પ્રાદેશિક સંસ્કૃતિ, આપણો લોકાલ આવવો જ જોઈએ. નહી તો પીટાઈ જવાની ગેરેંટી..!
હું એવા કેટલાક નિર્માતા કે ફીલ્મ્મેકારોને જાણું છું જેમણે ૭ થી ૧૫ લાખના બજેટમાં સારમાં-સારી ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાંથી લાંબાગાળે તેઓ ખર્ચો પણ કાઢી શક્યાં ને કમાયા પણ. આમ થશે તો ફિલ્મ સર્જનનું ચક્ર ચાલતું રહેશે. નહી તો એકવાર પાંચ-સાત લાખ ગુમાવનાર પણ ફરી આ બાજુ નહી જૂએ. ને અત્યારે તો ગુજરાતી ફિલ્મના નિર્માતાઓ તો પચાસેક લાખ ગુમાવી રહ્યાનું ચર્ચાઈ રહ્યું છે. સરવાળે એક ફિલ્મમાં ખોટ કર્યાં પછી નિર્માતા બીજી ફિલ્મ બનાવવાની હિમ્મત ગુમાવે છે, અથવા અન્ય ભાષાની ફિલ્મ તરફ વળે છે.
ને અંતે...: થીયેટર કે મલ્ટીપ્લેક્ષ માલિકો એકજુટ થયીને તમે બનાવેલ સર્જનના આધારે કમાય છે, ને સર્જકો વાડા કે તડામાં પડી એકબીજાની જ....

Dr. Tarun Banker

Ph. D. : Fiction into Film Have been working with Cinema, TV & Theatre from 1991.

Post a Comment

Previous Post Next Post